કહે છે ને કે લાલચ બુરી બલા છે! લોભનું પરિણામ હંમેશા અપ્રિય જ હોય છે. ગમે તેટલા હોશિયાર કેમ ન હોઈએ, લાલચ બધું શાણપણ ભુલાવી દે છે. લાલચનો માર્ગ વિનાશનો માર્ગ છે. હિતોપદેશની આ કથા એનું પ્રમાણ છે.

એક સમયની વાત છે. એક જંગલની નજીક એક નાનકડું ગામ હતું. એ ગામમાં, એક શિકારી રહેતો હતો. જંગલ તો ભાત-ભાતનાં અનેક પશુ-પક્ષીઓનું ઘર હતું.શિકારી આ પશુ-પક્ષીઓને મારીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
એક સવારે શિકારી જંગલમાં શિકારની શોધમાં નીકળ્યો. નસીબ જાણે તેનો સાથ આપતું હોય એમ; બપોર સુધી ભટક્યા પછી તેને એક હરણ દેખાયું. શિકારીએ જરા પણ વાર લગાડ્યા વિના, એ હરણને પોતાનાં તીર વડે વીંધી નાખ્યું.
આટલો સારો શિકાર હાથ લાગતા શિકારી તો ખુશખુશાલ થઇ ગયો. અને એ હરણને ખભા પર મૂકી, ગામ તરફ ચાલવા લાગ્યો.
રસ્તામાં, તેને એક હૃષ્ટ-પુષ્ટ જંગલી સુવર દેખાયું.આ જોઈ શિકારીની ખુશીનો તો પાર ન રહ્યો. તેણે વિચાર્યું, “ ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે! આજે હું આ જંગલી સુવરનો પણ શિકાર કરી લઉં તો, મારે દિવસો સુધી શાંતિ અને ગરમીમાં રઝળપાટ કરવાનું મટે!”
જલ્દીથી ખભા પરનાં હરણને જમીન પર મૂકી, તેણે સુવર તરફ નિશાન લઈને એક તીર છોડ્યું. એક મોટી ચિચિયારી પાડતું સુવર, શિકારી તરફ હુમલો કરવા ધસ્યું. હતી એટલી તાકાત એકઠી કરી સુવરે તો શિકારીનાં પેટમાં પોતાનાં લાંબા, તીક્ષ્ણ દાંત ખોંસી દીધા. ટક્કર એટલી ભયંકર હતી કે, શિકારીનો જીવ ત્યાંને ત્યાં જ નીકળી ગયો. સુવરને પણ શિકારીનું તીર વાગ્યું હોવાથી,ખરાબ રીતે ઘાયલ થઇ ગયેલું સુવર ત્યાં જ ઢળી પડ્યું.
હવે, શિકારી અને સુવર વચ્ચેની આ અથડામણ દરમિયાન એક સાપ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.
એ ઝડપથી સરકીને ત્યાંથી ભાગવા લાગ્યો પણ, એનું નસીબ જ ખરાબ કે શિકારી અને સુવર બંને લડતા લડતા એના તરફ આવ્યા અને હજી બિચારો પોતાને બચાવવા માટે કંઈ કરી શકે એ પહેલા તો એમનાં પગ નીચે કચડાઈ અને મરી ગયો.
થોડો સમય વીત્યો હશે ત્યાં, ખોરાકની શોધમાં ભટકી રહેલું એક શિયાળ ત્યાંથી પસાર થયું. અને આ શું? એ જુએ છે ત્યાં તો, એક હરણ, એક માણસ, એક જંગલી સુવર અને એક સાપ – બધા એક જ જગ્યાએ અને એ પણ મૃત! શિયાળ તો જાણે ખુશીથી નાચી ઉઠ્યું.
શિયાળ તો મનમાં ને મનમાં વિચારવા લાગ્યું, “અરે વાહ! ખરી મિજબાની થઇ જશે આજે તો. આમ પણ હું બીજા પ્રાણીઓએ છોડી દીધેલો એઠો શિકાર ખાઈ ખાઈને કંટાળી ગયું છું.
આટલું બધું ભોજન અને એ પણ એક જ જગ્યાએ! લાગે છે કે આજે આ ખજાનો ભગવાને મારા માટે જ મોકલ્યો છે. હું કોઈ આલતુ-ફાલતુ પ્રાણી નથી પણ, શાણું શિયાળ છું શિયાળ એટલે, નસીબથી મળેલી આ ભેંટને બીલકુલ જ વેડફીશ નહીં.
હું રોજ થોડું થોડું કરીને જ ખાઈશ કે જેથી, આ ભોજન મને દિવસો સુધી ઉપયોગમાં આવશે. વાહ ભાઈ વાહ, આજથી બસ આરામ જ આરામ!!”
આવી રીતે આનંદમાં આવી ગયેલા લોભી શિયાળે પહેલા માંસનો સૌથી નાનો ટુકડો ખાવાનું નક્કી કર્યું. બધા તરફ નજર કરતા જણાયું કે, માંસનો એક નાનકડો ટુકડો તીર પર ચોંટેલો છે. શિયાળે તો તીર ઉઠાવી અને સીધું જ મુક્યું મોમાં! ધાતુનું બનેલું તીર તો એક જ ઝાટકે તેનાં માથાને વીંધતું બહાર નીકળી ગયું. લાલચુ શિયાળ ત્યાં ને ત્યાં જ મરણ પામ્યું.
છેવટે, લાલચ નામનાં એક જ તીર વડે મરણને શરણ થયેલા ચાર પશુ અને એક માણસ જંગલમાં પડેલા હતા!
એટલે તો જ કહે છે ને કે, લોભ ને થોભ નહીં!